માઇક્રો ફર્ટીલાઇઝર્સ (જમીનનો કસ) શા માટે જરૂરી?
🔸અગાઉ વીઘે ૫ થી ૭ મણનું ઉત્પાદન આપતા દેશી બિયારણોની જગ્યાએ આવેલ નવા સંશોધિત બિયારણોથી ઉત્પાદનમાં થયેલ જંગી વધારાને કારણે તેમજ પિયત વિસ્તારમાં ૧ વર્ષમાં એક થી વધુ લેવાતા પાકને કારણે જમીનમાંથી છોડના સર્વાંગી વિકાસ માટે અત્યંત જરૂરી બધા જ પોષક તત્ત્વોનો થતો જતો વધુ ને વધુ ઉપાડ
🔸 વધતા જતા ૧૩ તત્વોના ઉપાડ સામે ફક્ત NPK ની પૂર્તિ થતા બાકીના અત્યંત જરૂરી એવા - કેલ્શિયમ - મેગ્નેશિયમ - સલ્ફર - બોરોન - ઝીંક - મેંગેનીઝ - ક્લોરીન - લોહ - કોપર - મોલિબ્ડેનમ જેવા પોષક તત્ત્વો (માઇક્રો ફર્ટીલાઇઝર્સ) ની વધતી જતી ઉણપ
પોષક તત્વ ની ઉણપ :
માઇક્રો ફર્ટીલાઇઝર્સનું પ્રમાણ જમીનમાંથી ઘટી ગયેલ છે તે કેવી રીતે ખબર પડે ?
💠 નાઈટ્રોજનની ઉણપના ચિન્હો :
- નાઈટ્રોજન ની ઉણપવાળા છોડ શરૂમાં બટકાપણું બતાવશે.
-આછો ફીકાશ પડતો લીલો રંગ જોવા મળશે.
-ધીમે ધીમે છોડ પીળો પડવા માંડશે, ધાન્ય પાકોમાં ફૂટ ઓછી જોવા મળે.
-છોડના નિચેના પાન પીળા પડશે કારણ કે જુના પાંદડાનો નાઈટ્રોજન નાના પાંદડા લઈ લેછે.
-નીચેના પાંદડા ટોચથી પીળા પડવાની શરૂઆત થશે અને મધ્યનસની બાજુમાં વધવા માંડશે, ત્યારે પાંદડાની કીનારી લીલી રહેશે. આવા ચિન્હો ધાન્યપાકોના પાંદડા પર ખાસ કરીને મકાઈના પાંદડા પર જોવા મળશે, ઉણપ વધી જતાં પીળા પાંદડા ભુખરા બની સુકાઈ જાય.
💠 નિયંત્રણ :
- જમીન ચકાસણી રિપોર્ટ મુજબ જમીનાં નાઈટ્રોજનયુક્ત ખાતરો આપવા
-દા.ત. - યુરિયા
-જમીનમાં સેન્દ્રીય ખાતરો આપવા.
- છોડ પર ૧ થી ૨ ટકા યુરિયાના દ્રાવણ નો છંટકાવ કરવો. પુર્તિ ખાતર તરીકે યુરિયા હપ્તે હપ્તે સાંજના સમયે પિયત આપ્યા પછી, વરાપ થયે આપવું.
-રાઈઝોબિયમ (કઠોળ વર્ગમાં) અને એઝેટોબેક્ટર (ધાન્ય વર્ગમાં) જેવા જૈવિક ખાતરો ની બીજ માવજત આપવી અથવા પિયત આપવું.
💠 ફોસ્ફરસ ની ઉણપના ચિન્હો :
-પાંદડાની કિનારીઓ જાંબુડીયા રંગના ટપકાવાળી અને પછી થી જાંબુડીયા મોટા ડાઘા ઉપસી આવે છે.
-પાકનો વિકાસ અટકી જાય છે અને મુળીયા નબળા/સખત બને છે.
-ધાન્ય પાકો અને શેરડીમાં બે ગાંઠો વચ્ચેનું અંતર ઘટે છે.
-છોડના નીચેના પાન ઘેરા લીલા રંગના જોવા મળે છે.
-છોડના પાન અને થડ આછા જાંબુડીયા રંગના જોવા મળે છે. વિષમ પરિસ્થિતિમાં પાન કાળાશ પડતા રાતા દેખાય છે અને પાનના પાછળના ભાગમાં લાલ ડાઘા પડેલ જોવા મળે છે.
💠 નિયંત્રણ :
-જમીન ચકાસણી રિપોર્ટ મુજબ જમીનમાં ફોસ્ફરસયુક્ત ખાતરો આપવા
દા.ત. ડીએપી અથવા એનપીકે ૧૨:૩૨:૧૬, અથવા એનપીકે ૧૦:૨૬:૨૬:
- સેન્દ્રીય ખાતરો વાપરવા. શક્ય હોય તો લીલો પડવાશ કરવો.
- ફૉસ્ફરસ દ્રાવ્ય (પીએસબી) જૈવિક ખાતરની બીજ માવજત આપવી અથવા પિયત આપવું.
💠 પોટાશની ઉણપના ચિન્હો :
-છોડના નીચેના પાંદડા પીળા પડવા માંડે, પીળાશપણાની શરૂઆત પાંદડાની ટોચથી શરૂ થઈ કિનારીઓ તરફ આગળ વધી પાનના ડીંટા સુધી પહોંચે જ્યારે મધ્યનસ લીલી રહે.
-નબળી અને પાતળી દાંડી અને પાંદડા.
-છોડના મુળ પાતળા અને બદામી રંગના જોવા મળે.
-છોડના પાનની કિનારી રતાશ કથ્થઈ બદામી રંગની જોવા મળે અને પાનસુકાઈ જાય તથા જુના પાનના અગ્ર ભાગની કિનારીથી પાન સફેદ, પીળું અથવા ત્રાંબીયા ટપકા અને પટ્ટા જોવા મળે.
-પાનની ટોચ અને કિનારી નીચે તરફ વળેલી જોવા મળે અને પાન પર શિરાઓ વચ્ચે સફેદ પીળા ધાબા જોવા મળે.
💠 નિયંત્રણ :
-જમીન ચકાસણી રિપોર્ટ મુજબ જમીનમાં પોટાશયુક્ત ખાતરો આપવા
-દા.ત. મ્યુરેટ ઓફ પોટાશ અથવા એનપીકે ૧૨:૩૨:૧૬ અથવા એનપીકે ૧૦:૨૬:૨૬,
-જમીનમાં સેન્દ્રીય ખાતરો આપવા.
-લીલો પડવાશ કરવો.
💠 કેલ્શિયમ ની ઉણપના ચિન્હો:
-નવું પાન કે કુંપળ નીચેની તરફ હુકની જેમ ઝૂકી જાય તથા નવું પાન મરવા માંડેછે.
- નવા પાન માં હરીત દ્રવ્યનો અભાવ.
- ઉગતી કળી ખરી પડે.
- છોડની અગ્રકલિકાનો વિકાસ રૂંધાય છે.
- છોડ બટકો રહે છે અને પાનની ડાળ વળેલી જોવા મળે અને ખરી પડે છે.
💠 નિયંત્રણ :
- જમીન ચકાસણી રિપોર્ટ મુજબ ભાસ્મિક જમીનમાં જીપ્સમ (ચિરોળી) પાયાના ખાતર તરીકે વાપરવું.
- જમીનમાં સેન્દ્રિય ખાતરો વાપરવા.
💠 મેગ્નેશિયમ ની ઉણપના ચિન્હો:
-આંતર શીરાઓનો ભાગ પીળો પડે, કોરોસીસ થાય અને વિકટ પરિસ્થિતિમાં પાન લાલ થઈ જાય છે.
-કપાસ જેવા છોડના નીચેના પાન રતાશ પડતા જાંબુડીયા રંગના થઈ ધીમે ધીમે બદામી રંગના દેખાય છે.
-છોડના નીચેના ભાગના જુના પાનની નસો વચ્ચેનો ભાગ પીળો જોવા મળે છે, જે પાછળ થી રતાશ પડતા રંગનો દેખાય તથા નસો લીલી દેખાય છે.
💠 નિયંત્રણ :
-જમીન ચકાસણીના રિપોર્ટ મુજબ મેગ્નેશ્યિમ સલ્ફેટ પાયાના ખાતર તરીકે ૩૦ થી ૪૦ કિ.ગ્રામ પ્રતિ હેક્ટર વાપરવું. -જમીન ચકાસણીના રિપોર્ટ મુજબ ૧ ટકા મેગ્નેશિયમ સલ્ફેટનો છોડ પર છંટકાવ કરવો.
-જમીનમાં સેન્દ્રીય ખાતરો વાપરવા
💠 ગંધક (સલ્ફર) ની ઉણપના ચિન્હો :
- પાન નાના, સીધા અને આછા લીલા દેખાય, ધોરી નસ ફીક્કી પડે અને છેવટે ઉપરના પાન સમગ્ર પણે પીળા પડે છે. - છોડ બટકો રહે અને થડ પાતળું જોવા મળે છે.
- છોડના બધા પાન આછા લીલા રંગના જોવા મળે છે.
💠 નિયંત્રણ :
- જમીન ચકાસણી રિપોર્ટ મુજબ હેક્ટરે ૨૦-૪૦ કિ.ગ્રા. ગંધક જમીનમાં આપવું અથવા જમીનમાં દર વર્ષે ૬૦-૭૦ કિ.ગ્રા. જીપ્સમ વાપરવું.
- જમીન ચકાસણી રિપોર્ટ મુજબ નાઈટ્રોજન અને ફોસ્ફરસ તત્વોની પૂર્તિ ગંધક ધરાવતા (સલ્ફરયુક્ત) ખાતરો જેવા કે એમો. સલ્ફેટ, સીંગલ સુપર ફોસ્ફેટ કે ૨૦:૨૦:૦:૧૩ વાપરવા.
- જમીનમાં સેન્દ્રિય ખાતરો વાપરવા.
💠 જસત(ઝીંક) ની ઉણપના ચિન્હો :
- પાન પીળા પડે પાન પર કાટના ડાઘા દેખાય, ટૂંકી આંતરગાંઠો, છોડનું બટકાપણું, દાણા ન ભરાવવા, પાનનું ખરવું તેમજ નવા પાન નાના અને ઝુમખામાં આવે છે.
- પાન ની કિનારી ઉપરની તરફ વળેલી જોવા મળે છે.
- સાંઠા ઉપર ભુખરા ચકામાં પડે છે.
- જુના પાન રાખોડી, કથ્થઈ અને તેની કિનારી તપખીરીયા રંગની જોવા મળે છે.
💠 નિયંત્રણ :
- છોડ પર ૦.૫ ટકા ઝીંક સલ્ફેટ નું ૦.૨૫ ટકા ચુનાના પાણીમાં ઓગાળી પાક પર છંટકાવ કરવો અથવા જમીન ચકાસણીમુજબ જમીનમાં ૨૫ થી ૫૦ કિ.ગ્રા. પ્રતિ હેક્ટર ઝીંક સલ્ફેટ આપવું અથવા ચીલેટેડયુક્ત ઝીંકનો પાક ઉપર છંટકાવ કરવો.
- જમીનમાં સેન્દ્રીય ખાતરો વાપરવા.
💠 મેંગેનિઝ ની ઉણપના ચિન્હો:
- નવા ઉગતા પાન ફીક્કા પડે છે, વચ્ચેના જુના પાન પીળાશ પડતા રાતા થાય છે, તેના ઉપર તપખીરીયા રંગની ભાત પડે છે.
- નાનામાં નાની શીરા પણ લીલી રહે છે.
- ધાન્ય પાકોના પાન પર સફેદ પડતા ભુખરા ડાઘા જોવા મળે છે જે ગ્રે-સ્પેક તરીકે ઓળખાય છે.
- અછત દર્શાવતા મકાઈના પાન પર પીળી પટ્ટિઓ તેની ધારને સમાંતર જોવા મળે છે.
- તમાકુ અને વાલના ધરૂવાડીયામાં તેના પાન કાટ લાગ્યો હોય તેવા જોવા મળે છે.
💠 નિયંત્રણ :
- ૦૫ ટકા મેંગેનીઝ સલ્ફેટને ૦.૨૫ ટકા ચુનાના નિતર્યા પાણીમાં ઓગાળી ને દ્રાવણીનો છોડ પર છંટકાવ કરવો અથવા ચીલેટેડયુક્ત મેંગેનીઝનો છોડ પર છંટકાવ કરવો અથવા જમીન ચકાસણી ના રિપોર્ટ મુજબ જમીનમાં ૨૫ થી ૫૦ કિ.ગ્રામ પ્રતિ હેક્ટર મેંગેનીઝ સલ્ફેટ (૩૦” મેંગેનીઝ) આપવું.
- જમીનમાં સેન્દ્રિય ખાતરો વાપરવા.
💠 લોહ ની ઉણપના ચિન્હો :
- પાન પીળા જણાય, ધોરી નસ લીલી રહે અને વચલો ભાગ પીળો થાય.
- વિકટ પરિસ્થિતિમાં પાનનું સફેદ થવું, નાના પાનની વૃદ્ધિ અટકે તેમજ વિષમ સંજોગોમાં પાનની ધાર એટલે કિનારી તથા ટોચ બળી જાય છે.
- છોડના ઉપરના કુમળા પાન પીલાશ પડતા ફિક્કા રંગના જોવા મળે છે.
💠 નિયંત્રણ :
- છોડ પર ૧ ટકા ફેરસ સલ્ફેટ (૧૯% લોહ) અને ૦.૫૦ ટકા ચુનાના દ્રાવણ અથવા ૦.૨ ટકા સાઈટીક એસીડ (લીંબુના ફુલ) પાણીમાં ઓગાળી છંટકાવ કરવો અથવા જમીન ચકાસણી મુજબ જમીનમાં ૫૦ કીલો ફેરસ સલ્ફેટ આપવું.
- જમીનમાં સેન્દ્રીય ખાતરો વાપરવા.
💠 બોરોન ની ઉણપના ચિન્હો :
- ઉગતી કળી આજુબાજુના પાન નિલવર્ણા થઈ જાય છે. પાનની ધાર, કુંપળ અને ટોચ ઉપર વિશેષ અસર થાય છે. અને બળતી લાગે છે.
- પાન જાડા રહે અને બરછટ થાયછે.
- કુંપળ ખરી પડે છે.
- ઓછા ફલિનિકરણ ને લીધે દાણા બરાબર બેસતા નથી. - - - સાંઠા અને ફળમાં બખોલ જેવી જગા પડે છે નવા તૈયાર થઈ રહેલ ફળ ખરી પડે છે.
- દ્રાક્ષમાં કેટલાક ફળો નાના રહી જાય જ્યારે કેટલાક ફળો એકદમ મોટા થઈ જાય છે અને આવા મિશ્ર ઝુમખામાં દ્રાક્ષ આવે છે આ અસરને “હેન એન્ડ ચિક્સ” તરીકે ઓળખાવવામાં આવે છે.
💠 નિયંત્રણ :
- ઉભા પાકમાં ૦.૨ બોરેક્ષ (૧૦.૫% બોરોન) દ્રાવણનો પાક પર છંટકાવ કરવો અથવા જમીન ચકાસણી મુજબ જમીનમાં ૫ થી ૧૦ કિ.ગ્રામ પ્રતિ હેક્ટર બોરેક્ષ પાયાના ખાતર તરીકે આપવું.
- જમીનમાં સેન્દ્રિય ખાતરો વાપરવા.
💠 તાંબા (કોપર)ની ઉણપના ચિન્હો :
- આંતરિક શીરા વચ્ચેનો ભાગ પીળાશ પડતો થઈ જાય છે, ભુરા લીલા રંગના પાન થઈ જાય છે.
- ઘણી વખત પાન તેનો રંગ ગુમાવે છે, પાન કરમાઈ જાય છે.
- પાન ની ટોચ સુકાઈ જાય છે.
- પાનીની કિનારી નીચે તરફ વળી જાય છે, ભુખરી થાય છે અને અંતે પાન મરી જાય છે. આ ચિન્હ ખાસ કરીને પાનની ટોચનું મારણ (લીફટોપ હાઈબેક) તરીકે ઓળખાય છે.
- વિકટ પરિસ્થિતિમાં પાન ચીમળાઈ જાય, વળી જાય, તુટી જાય છે અને અંતે છોડ મરી જાય છે.
💠 નિયંત્રણ :
- ૦.૪ ટકા કોપર સલ્ફેટનો ૦.૨ ટકા ચુનાના નિતર્યા પાણીમાં ઓગાળી પાક પર છંટકાવ કરવો અથવા જમીન ચકાસણી મુજબ જમીનમાં ૫ થી ૧૦ કિ.ગ્રા. પ્રતિ હેક્ટર કોપરસલ્ફેટ (૨૪ટકા તાંબુ) પાયાના ખાતર તરીકે આપવું.
- જમીનમાં સેન્દ્રીય ખાતરો વાપરવા.
💠 મોલિબ્ડેનમ ની ઉણપના ચિન્હો:
- પાનનો અગ્રભાગ ચાબુક જેવો આકાર ધારણ કરે છે, પાન પીળાશ પડતા લીલા અને ફિક્કા જણાય છે ક્યારેક અસરયુક્ત ડાળી નીચેથી ગુંદરીયા રસ ઝરે છે.
- પાન કોકડા વળી જાય છે અને પાનની કિનારી તુટી જાય છે.
- બીજા સુક્ષ્મ તત્વોની જેમ નવા ઉપરના પાન પર નહીં પરંતુ નીચેના જુના પાન પર તેની અછત જોવા મળે છે.
- લીંબુ વર્ગમાં પીળીયા ટપકાનો રોગ તથા વટાણામાં સ્કેલ્ડ નો રોગ મોલિબ્ડેનમ ની ઉણપ થી થાય છે.
💠 નિયંત્રણ :
- ૦.૧ ટકા સોડીયમ મોલીબ્ડેટ અથવા એમોનિયમ મોલિબ્ડેટ (૫૨% મીલિ.) નો પાક ઉપર છંટકાવ કરવો, અથવા જમીન ચકાસણી રિપોર્ટ મુજબ જમીનમાં ૧.૮ કિ.ગ્રામ પ્રતિ હેક્ટર એમોનિયમ મોલિબ્લેડેટ આપવું.
- જમીનમાં સેન્દ્રિય ખાતરો વાપરવા.
